ProZ Pro Bonoની એક ઝલક
આ વેબસાઇટ મહદંશે અંગ્રેજી ભાષામાં છે, પરંતુ વિશ્વભરનાં વિવિધ દેશોના અમારા મિત્રો અને ગ્રાહકોને આ પ્રોગ્રામ વિશે તેમેની પોતાની ભાષામાં જાણકારી મેળવવાની તક આપવાની અમારી ઈચ્છા છે. નીચેના પેજ પર પ્રૉજેક્ટ, તેની સાથે સંકળાયેલા લોકો અને તેની પાછળની પ્રેરણા વિષેની જાણકારી છે. તેનો અનુવાદ અમારા નિષ્ણાત સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યો છે. અને આપને સવિનય જણાવવાનું કે તમે કોઈપણ ભાષામાં અમારો સંપર્ક કરી શકો છો અને અમે તમારી એ જ ભાષામાં તમને જવાબ આપીશું.
શું, કોણ, ક્યારે, ક્યાં, શા માટે?
શું?
ProZ.com એ દુનિયાના તજજ્ઞ અનુવાદકો તેમજ ઇન્ટરપ્રિટર્સનો સૌથી મોટો સમુદાય છે. ProZ પ્રો બોનો પ્રોગ્રામ એ ProZ.com દ્વારા શરૂ કરવામાં આવેલી ચેરિટેબલ, નિ:શુલ્ક પહેલ છે. આ પ્રોગ્રામ ભાષાના તજજ્ઞોને એવી બિનનફાકારક સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે જોડે છે, જેમને અનુવાદની તેમજ ઇન્ટરપ્રિટેશનની સેવાઓની જરૂર હોય; આ બધું સ્વયંસેવી ધોરણે થાય છે. આ પ્રોગ્રામ મારફતે ProZ.com ભાષાકીય સહાયના એક વૈશ્વિક નેટવર્કને સુગમ બનાવે છે, જેના દ્વારા વંચિત સમુદાયો માટે મહત્ત્વપૂર્ણ માહિતી અને સેવાના દ્વાર ખૂલે છે.
કોણ?
ProZ પ્રો બોનો પ્રોગ્રામ સમગ્ર વિશ્વની બિનનફાકારક સંસ્થાઓને સેવા પૂરી પાડે છે, જેથી આ સંસ્થાઓ બહુભાષી સમુદાયો સુધી પહોંચી શકે અને વંચિત લોકોની સેવાનું તેમનું મુખ્ય ધ્યેય પૂરું કરવા માટે દુર્લભ સંસાધનોને કામે લગાડી શકે. અનુવાદ અને ઇન્ટરપ્રિટેશનનું કાર્ય ભાષાના એવા તજજ્ઞો દ્વારા કરવામાં આવે છે ProZ.comના નોંધાયેલા સભ્યો છે. આ ઉત્સાહી લોકો જરૂર હોય તેમને પોતાનું કૌશલ્ય નિ: શુલ્ક ઑફર કરી સકારાત્મક અસર ઊભી કરવાના જુસ્સાથી ભરેલા હોય છે. આ પ્રોગ્રામ માટે નાણાકીય સહાય ProZ.comનાં સભ્યો દ્વારા કરવામાં આવે છે.
ક્યાં?
ProZ પ્રો બોનો પ્રોગ્રામનું સંચાલન વૈશ્વિક સ્તરે થાય છે. વિશ્વના કોઈપણ ખૂણેથી ભાષાના તજજ્ઞો તેમજ બિનફાકારક સંસ્થાઓ અને વ્યક્તિઓ ગમે ત્યારે જરૂર પડ્યે આમાં સહભાગી થઈ શકે છે. ProZ.comના વર્ચ્યુઅલ સ્વરૂપનો લાભ મળવાને કારણે પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય સહયોગ શક્ય બને છે. સ્વયંસેવકો પોતાની સેવાઓ ઑફર કરી શકે છે અને લાભાર્થી સંસ્થાઓ અને લોકો કોઈપણ લોકેશન પરથી સેવા મેળવવા માટે વિનંતી મોકલી શકે છે.
કયારે?
ProZ પ્રો બોનો પ્રોગ્રામ એક નિરંતર પહેલ છે અને વર્ષ દરમિયાન કોઈપણ સમયે તેમાં ભાગ લેવાનું શક્ય છે. ભાષાના તજજ્ઞો કોઈપણ સમયે સ્વયંસેવક તરીકે સાઇન અપ કરી શકે છે. તેમજ બિનનફાકારક સંસ્થાઓ અને વ્યક્તિઓ જરૂરિયાતના કોઈપણ સમયે વિનંતી મોકલી શકે છે. સમયની આ સુગમતાના કારણે ભાષા સંબંધિત તાત્કાલિક જરૂરિયાતોને ઝડપથી પૂરી કરી શકાય છે.
શા માટે?
જેમના માટે મહત્ત્વપૂર્ણ માહિતી અને સેવાઓ આપવી કે મેળવવી મુશ્કેલ હોય તેમનાં માટે ProZ પ્રો બોનો પ્રોગ્રામ ભાષાકીય અંતરને દૂર કરી ખૂબ જ અગત્યનો હેતુ સર કરે છે. અનુવાદ અને ઇન્ટરપ્રિટેશનના સમુદાય અંતર્ગત સહયોગ અને સહાયની ભાવના કેળવવી તેમજ વિશ્વમાં કોઈ અર્થપૂર્ણ બદલાવ લાવવો એ ProZ.comના મૂળભૂત મૂલ્યો છે, જેને આ પ્રોગ્રામ વળગી રહે છે. સમજ, સંચાર અને માહિતી સુધીની પહોંચને વૈશ્વિક ધોરણે વિસ્તારવાના વ્યાપક મિશનને પૂરું કરવા આ પ્રોગ્રામ કાર્યરત છે.
આ પ્રોગ્રામ એક કરુણામય અને અસરકારક પ્રયત્ન છે, જેના થકી ભાષાના તજજ્ઞો તેમના કૌશલ્યો દ્વારા સ્વેચ્છાએ વિશ્વના જરૂરિયાતમંદો સુધી મહત્ત્વની સેવાઓ પહોંચાડી શકે છે. ProZ પ્રો બોનો પ્રોગ્રામના સ્વયંસેવી અનુવાદકો અને ઇન્ટરપ્રિટર્સ તેમના કૌશલ્યો અને નિપુણતાનો ફાળો પોતાના કોઈ અંગત લાભ માટે નહીં, પરંતુ ભાષાકીય સહાયની જેમને જરૂર છે તેમના જીવનમાં કોઈ સકારાત્મક અસર ઊભી કરવા માટે આપે છે.
તમારી ભાષા કે તમારા દેશનાં ઍમ્બેસડર અહીં છે કે નહીં તે જાણવા માટે Ambassadors પેજ જુઓ.
Translated by Shruti Arjunsinh / ભાષાંતરકાર: શ્રુતિ અર્જુનસિંહ